ભરૂચ – શનિવાર - મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં ઝેડ પ્લોટ નં. ૯૩ ખાતે અંદાજે રૂ.૫૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા તળાવ અને ૯૦ MLD ડીપ-સી પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જ્યાં તળાવનું નિરિક્ષણ કરી સમગ્ર પ્રોજેક્ટની વીડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃતમાં જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને UPL-13 કંપની પરિસરમાં જ જૂદા જૂદા ત્રણ નકશાના માધ્યમથી સમગ્ર ઔદ્યોગિક વસાહતના વિકાસ અને વિસ્તાર, PCPIR રિજીયન અને દહેજ-૧,૨,૩, વિલાયત, સાયખા GIDC અંગેની વિગતવાર માહિતી GIDCના અધિક્ષક ઈજનેરશ્રી પાર્થ સુથાર દ્વારા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અંદાજે રૂ. ૫૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલું ૧૮૦ ML નું તળાવ અને ૯૦ MLD ના ડીપ-સી પમ્પિંગ સ્ટેશનની કામગીરી ઓક્ટોબર-૨૦૨૨માં શરૂ થઈ હતી, જે આગામી જૂન મહિના સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ઔદ્યોગિક વસાહતમાંથી શુદ્ધિકરણ થઈને પાઈપ લાઈન મારફત પાણી આ તળાવમાં આવશે. ત્યારબાદ અહીંથી પમ્પિંગ કરી અંદાજે ૩.૪૬ કિમીની પાઈપ લાઈન મારફત દરિયામાં છોડવામાં આવશે.
દહેજ ઔદ્યોગિક વસાહતના UPL-13 હેલિપેડ ખાતે મુખ્યમંત્રીશ્રીનું આગમન થતાં વરિષ્ઠ અધિકારીઓ અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.

આ સમગ્ર મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રી સાથે આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠોડ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, GIDC ના વાઇસ ચેરમેન અને એમ.ડી. સુશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે સહિત ઉદ્યોગ વિભાગ અધિકારીઓ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.