અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં તારીખ 15 મી ફેબ્રુઆરીએ "વિજ્ઞાન પ્રસાર સ્નેહ મિલન " કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર, ઝઘડીયા , વાલીયા , હાંસોટ તાલુકાનાપ્રાથમિક શિક્ષકોના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધનંજય રાવલે આસાન રીતે વિજ્ઞાનનો વિષય વિદ્યાર્થીઓને કઈ રીતે શીખવાડાય તે ઉદાહરણ સહીત સમજાવીને સૌના દિલ જીતી લીધા હતા.

સંસ્કારદીપ ટ્રસ્ટ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા સંસ્કારદીપ સ્કુલ ખાતે ચાર તાલુકાના પ્રથિક શાળાના આચાર્યોનું "વિજ્ઞાન પ્રસાર સ્નેહમિલન" કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે અંકુર હોબી સેન્ટર અમદાવાદના ધનંજયભાઈ રાવલે ઉદાહરણો સહિત વિજ્ઞાન જેવા જટિલ વિષયને આસાન રીતે અને વિદ્યાર્થીઓને રુચિ પડે તેમ કેવી રીતે ભણાવવો જોઈએ તે રસપ્રદ રીતે પોતાના વ્યક્તવ્યમાં સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ આવી ગઈ છે. જેમાં ભણાવવાની પદ્ધતિમાં ફેરફાર આવી ગયો છે, આપણે તેને અપનાવવાનો છે.
જ્યારથી આપણે આઝાદ થયા ત્યારથી એક જ પદ્ધતિ ચાલી રહી છે. જયારે દુનિયા બહુ જ બદલાઈ ગઈ છે. જયારે આપણા પાઠ્યપુસ્તકોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બદલાવ લાવવાનો છે જે દિશામાં આપણે આગળ વધવાનું છે.
સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટી એન .કે. નવાડીયાએ તેમના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષણની અંદર વધુ સારું કાર્ય કઈ રીતે થઇ શકે, વિદ્યાર્થીઓની વિજ્ઞાનમાં રૂચિ વધે તેવા પ્રયાસ કરવા તે આ કાર્યક્રમનો હેતુ છે.
ગુજરાતમાં જામનગર જિલ્લા પછી સૌથી વધુ ઔદ્યોગિક રોકાણ ધરાવતો જિલ્લો ભરૂચ જિલ્લો છે. પરંતુ 10 માં ધોરણના પરિણામો ઉપર જોઈએ તો 34 જિલ્લાઓમાં આપણો નંબર 23 મો છે. યોગ્ય પરિણામ નહિ આવવા પાછળના અનેક કારણો છે. આપણે આપણા વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લે તે માટે પ્રયાસ કરીએ. તે માટે ભાષા શુદ્ધિ પણ જરૂરી છે. આ માટે શિક્ષણના સ્તરને પાયાથી સુધારવું પડે. તે માટે પ્રથિક શાળાના આચાર્યોની સાથે આ વિષયમાં મંથન કરી આપણે પ્રથમ 10 માં સ્થાન આવે તેવા પ્રયાસ કરીએ.
અહીં સંસ્કારદીપ સ્કુલમાં જીવન કૌશલ કેન્દ્ર છે. જેમાં ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ અલગથી તૈયાર કરાયો છે. તેમજ સાયન્સ પાર્ક તૈયાર કરાયો છે. જેમાં ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં નહિ પરંતુ ખુલ્લામાં પ્રયોગોકરી શકે તેવી વ્યવસ્થા કરેલ છે. જેથી વિદ્યાર્થીઓની રુચિ વધે અને તેમને વાંચવું ના પડે.સાથે સાથે ક્રિએટિવ લર્નિંગ સેન્ટરની પણ વ્યવસ્થા કરેલ છે. આ સાથે એસ્ટ્રોલોજી સેન્ટર પણ તૈયાર કરેલ છે. આગામી સમયમાં એસ્ટ્રોલોજી લેબ નું પણ આયોજન છે.
તેમને જણાવ્યું હતું કે આપણા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આ બધા પ્રકલ્પો નિઃશુલ્ક ખુલ્લા મુક્યા છે. શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓને બહાર લઇ જવાને બદલે અહીં પ્રવાસ માટે લઇ આવો , જેથી વિદ્યાર્થીઓ બધું જુએ , સમાજે અને શીખે.
તેમને આપણા જિલ્લામાં વધતા જતા ઔદ્યોગિકરણમાં આપણા બાળકો કામદાર બનીને ન રહી જતા ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્મમાં ગાંધીજીનું જેમણે નજીકથી નિરીક્ષણ કર્યું હતું તેવા નારાયણ દેસાઈની જન્મશતાબ્દી ઉજવાઈ રહી છે ત્યારે ચાર તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોને ચંદ્રેશભાઇ દેવાણી તરફથી નારાયણભાઈ દેસાઈ લિખિત "જીગરના ચીરા" પુસ્તક શાળાની લાઈબ્રેરી માટે ભેટ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદના અંકુર હોબી સેન્ટરના ધનંજયભાઈ રાવલ, એ આઈ એ પ્રમુખ હિંમત શેલડીયા , નોટીફાઈડ ચેરમેન અમુલખભાઇ, એન .કે. નવાડીયા, ચંદ્રેશ દેવાણી, ચંદુભાઈ કોઠીયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.