તારીખ 6 જાન્યુઆરીએ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત ચિલ્ડ્રન થીએટર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લાનો સ્નેહ મિલન સમારોહ યોજાઈ ગયો. જેમાં મોટી સંખ્યામાં સભ્યોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોટિવેશન વક્તા દેવરાજભાઇ ચૌધરીએ પોતાના વ્યક્તવ્યથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
લઘુ ઉદ્યોગ ભારતી ભારત તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત-મહારાષ્ટ્રના પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિએ પોતાના વ્યક્તવ્યમાં માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 1994માં કાર્યરત થયેલી સંસ્થા આજે મોટું વટવૃક્ષ બની ગઈ છે. લઘુ ઉદ્યોગ ભારતી દેશના 580 જિલ્લાઓમાં કાર્યરત છે. તેની 1000 જેટલી ઈકાઈ કાર્યરત છે. મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે તો FICCI જેવા એસોસિએશનો છે, પરંતુ નાની ઇન્ડસ્ટ્રીઝ માટે રાજ્ય કક્ષાએ એસોસિએશનો કાર્યરત છે પરંતુ રાષ્ટિય કક્ષાએ કોઈ હતું નહીં. જ્યાંથી વિવિધ કાયદાઓ બને, નોટીફિકેશનો બહાર પડે, ત્યાં નાના ઉદ્યોગોના પ્રશ્નોની રજુઆત માટે લઘુ ઉદ્યોગ ભારતી અસરકારક માધ્યમ બન્યું છે. ઉદ્યોગમાં પ્રશ્નો હંમેશા ઉભા જ હોય છે. તમે 10 માંથી 6 પ્રશ્નોનો નિકાલ કરો ત્યાં બીજા પ્રશ્નો ઉભા થઇ જાય.
GIDC પ્લોટ ટ્રાન્સફરમાં GST સામે લઘુ ઉદ્યોગ ભારતીએ કેન્દ્રમાં નાણામંત્રીને રજુઆત કરી હતી. પ્રશ્નનો હકારાત્મક ઉકેલ લાવવા માટે ખુબ જ પ્રયાસો કર્યા હતા. હકારાત્મક ઉકેલ આવવાની અણી ઉપર હતો. જો કે હાઇકોર્ટે તે પહેલા જ પોતાનો ચુકાદો આપીને બધું સ્પષ્ટ કરી દીધું.
લઘુ ઉદ્યોગ ભારતીના પ્રયાસોથી LT કનેક્શન 100 KV થી વધારીને 150 KV કરવામાં આવ્યું. તેમને GPCB દ્વારા આડેધડ લેવાતા EDC (ENVIRONMENT DEMEJ COMPENSASAN ) વિષે વિરોધ કરી જણાવ્યું હતું કે ઝઘડીયાની એક કંપનીમાં વેલ્ડિંગ કરતા કામદારનો પગ લપસતાં પડી જતા મૃત્યુ થતા એક કરોડ રૂપિયાનો EDC દંડ લગાડવામાં આવ્યો. આમાં પર્યાવરણને ક્યાં નુકસાન થયું તે સમજમાં આવે તેવી વાત નથી. તેની સામે લડત આપવામાં આવી.
નાના ઉદ્યોગોને સૌથી મોટો પ્રશ્ન સ્કીલ મેનપાવરનો છે. રાજસ્થાનમાં ઉદેપુર ખાતે 50 કરોડના ખર્ચે 500 વિદ્યાર્થીઓ રહી શકે તેવું સ્કીલ સેન્ટર લઘુ ઉદ્યોગ ભારતી તરફથી બનાવવામાં આવ્યું છે. જયારે જોધપુરમાં 10 કરોડના ખર્ચે સ્કીલ સેન્ટર બનાવવાનું કામ ચાલુ છે.
ગુજરાતમાં પણ ગાંધીનગર ખાતે 2100 ચોરસમીટર જગ્યા સરકાર દ્વારા મંજુર થઇ છે. 13000 રૂપિયે ચોરસમીટરની જગ્યા સરકાર 6500 રૂપિયે આપણને આપી છે. થોડા દિવસમાં તેનું ભૂમિપુજણ થઇ આગળની કાર્યવાહી ચાલુ થશે. જેમાં સ્કિલ સેન્ટરની સાથે સંસ્થાનું કાર્યાલય પણ બનશે.
રિદ્ધિ ફાર્માના કિરણભાઈ મોદીએ જણાવ્યું હતું કે રિલાયન્સ અને અદાણી જેવા ઉદ્યોગ ગૃહો સરકાર સાથે સીધી વાત કરીને પોતાના પ્રશ્નો ઉકેલી શકે છે જયારે 700,1000 કે 2000,5000 ચોરસ મીટરમાં પ્લોટ ધરાવતા નાના ઉદ્યોગકારો તેમના પ્રશ્નોની સીધી રજુઆત કરી શકતા નથી. તેમના માટે લઘુ ઉદ્યોગ ભારતી પ્રશ્નોના ઉકેલ માટેનું સારું પ્લેટફોર્મ છે.
નાના ઉદ્યોગો જે રોજગારી પુરી પડે છે તે મોટા ઉદ્યોગો પુરી નથી પાડી શકતા. તેમને જણાવ્યું હતું કે રિલાયન્સ કોમ્પ્લેક્સ 7 લાખ કરોડનું ટર્નઓવર કરે છે અને એક લાખ લોકોને સીધી રોજગારી આપે છે. જયારે અંકલેશ્વરના 1500 જેટલા નાના ઉદ્યોગો વર્ષે 25000 કરોડનું ટર્નઓવર કરતા હશે તેઓ એક લાખ લોકોને રોજગારી આપે છે. આથી રોજગારી ઉભી કરવાની મોટી ક્ષમતા નાના ઉદ્યોગોમાં છે.
પાનોલી એકાઈના પ્રેસિડેન્ટ આશિષ ગજેરાએ જણાવ્યું હતું કે કેટલાક ઉદ્યોગકારો પોતાના પ્રશ્નો કહેવાની જગ્યાએ કંપનીની અંદર જ બંધબારણે તેની પતાવટ કરવા પ્રયાસ કરે છે. તેમ ના કરતા પ્રશ્નની રજુઆત કરો. લઘુ ઉદ્યોગ ભારતી પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રયાસ કરશે.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના પ્રમુખ હિંમતભાઇ શેલડીયાએ ે અંકલેશ્વર ઈન્ડસ્ટીઝ એસ્ટેટના ભાવિ પ્રોજેક્ટની રૂપરેખા આપી હતી તેમજ ક્યાં ક્યાં પ્રશ્નોની વિવિધ કક્ષાએ રજુઆતો કરવામાં આવી છે તેના વિષે માહિતી આપી હતી. લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લાની ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું.
લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ વિષે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લઘુ ઉદ્યોગ ભારતી-અખિલ ભારતી ય તત્કાલીન અધ્યક્ષ -ભારત પ્રભારી ગુજરાત, મહારાષ્ટ્ર,-બલદેવભાઈ પ્રજાપતિ, અતિથિ વિશેષ તરીકે એસી એફ.ડી.સી.એ .ડો. એમ.પી. નાકરાણી, લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના પ્રમુખ-ઈશ્વર પટેલ, સેક્રેટરી -ઈશ્વર સજ્જન, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના પ્રમુખ હિંમતભાઇ શેલડિયા, અંકલેશ્વર નોટીફાઈડ ચેરમેન-અમુલખભાઇ પટેલ, સાયખા ઇન્ડસ્ટ્રીઝ અસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ સી.કે. જીયાની, પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ડો. મહેશ પટેલ, રિદ્ધિ ગ્રૂપના કિરણ મોદી , મંગલમ ગ્રુપના ભરતભાઈ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી-ભરૂચના પ્રમુખ કમલેશ ગામી, ડિસ્ટ્રીક્ટ ઇન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થના જાગૃતિબેન ચૌહાણ, તેમજ નોટીફાઈડ એરિયા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જય તેરૈયા ઉપસ્થિત રહ્યા હતા.
આભારવિધિ લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લાના સેક્રેટરી રમેશભાઈ ચોડવડીયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈએ કાર્ય હતું જેમને લઘુ ઉદ્યોગ ભારતીના અંકલેશ્વર પ્રેસિડેન્ટ કિશોરભાઈ કાછડીયા અને સેક્રેટરી પિયુષ બુદ્ધદેવે સહયોગ આપ્યો હતો.