પીએમ સૂર્યઘર યોજના જાહેર થયા બાદ સોલાર સિસ્ટમ ખૂબ જ ચર્ચામાં છે. મકાનની છત પર નંખાતા રૂફટોપ સોલાર ની જેમ ઔદ્યોગિક એકમો માટે ગ્રાઉન્ડ માઉન્ટેન્ડ સોલાર પ્રોજેક્ટ તેઓ માટે ફાયદાનો ધંધો સાબિત થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રે પિયર ને જેકાર્ડ, એર જેટ, વોટર જેટ ચલાવતા વીવર્સ, ટેક્સ્યુરાઈઝ્ડ, યાર્ન, કેમિકલ, પેપર મિલ સહિતના અલગ અલગ ૨૦૦ જેટલા ઔદ્યોગિક એકમમાં છેલ્લા દોઢ-બે વર્ષમાં ૪૦૦ મેગા વોટની સોલાર પેનલ નાંખવામાં આવી છે. જેમાં એક-એક એકમમાં ઓછામાં ઓછા એક મેગાવોટ અને વધુમાં વધુ ૬ મેગાવોટના સોલાર પેનલ નો સમાવેશ થાય છે. ગ્રાઉન્ડ માઉન્ટેન્ડ સોલાર પ્રોજેક્ટ એક મેગાવોટ હોય તો, તેમાંથી વર્ષે ૧૬ લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે અને વીજ કંપનીમાંથી એક યુનિટના સાડા આઠથી નવ રૂપિયાના ભાવે મળતી વીજળી સીધી ત્રણ રૂપિયે યુનિટ થઈ જાય છે. આમ, દક્ષિણ ગુજરાતના ૨૦૦ જેટલા ઔદ્યોગિક એકમો દ્વારા નંખાયેલા ૪૦૦ મેગાવોટ સોલાર પેનલમાંથી વર્ષે (એક મેગાવોટના પ્રોજેક્ટમાંથી વર્ષે ૧૬ લાખ યુનિટ વીજળી બને છે, તે પ્રમાણે) ૬૪ કરોડ યુનિટની વીજળી જનરેટ થતા ઉદ્યોગકારોને સીધી ૩૨૦ કરોડ રૂપિયાની બચત થઈ રહી છે. કુલ જરૂરિયાતની ૮૫ ટકા જેટલી વીજળી સોલારમાંથી મળી રહેતા ફાઈનલ પ્રોડક્ટની કોસ્ટ પણ ઓછી થાય છે. જેનો લાભ ગ્રાહકોને પણ આપી શકાય છે.
દર મહિને રૂપિયા ૧૩ લાખ સુધીનું વીજળીનું બિલ આવતું હોય તેવા ઔદ્યોગિક એકમને એક મેગાવોટ નો સોલાર પ્રોજેક્ટની જરૂર હોય છે. ઔદ્યોગિક એકમો માટે ગ્રાઉન્ડ માઉન્ટેન્ડ સોલાર પ્રોજેક્ટ થકી ઉત્પન્ન થતી વીજળી માટે ફક્ત એક મહિનાનું બેંકિંગ મળે છે. એટલે સોલાર પ્રોજેક્ટમાં બનેલી વીજળી જે તે મહિને જ વાપરી નાંખવી પડે છે. ફક્ત એક મહિનાના બેંકિંગ ને કારણે બનેલી વીજળી આવનારા મહિનામાં પ્લસ થઈને મળતી નથી. એક વખત પ્રોજેકટ નંખાયા બાદ ૩૦ વર્ષ સુધી વીજળીના બિલમાં મોટી રાહત થાય છે.
એક મેગાવોટના પ્રોજેક્ટ માટે ત્રણ એકર જમીનની જરૂર પડે છે. આ જમીન ભાડે કે વેચાણથી લઈ શકાય છે. પ્રોજેક્ટ માટે સબ સ્ટેશન બે કિમી અંતર માં હોવું જોઈએ. આ પ્રોજેક્ટ માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી અને સંબંધિત વીજકંપનીની મંજૂરી લેવી પડી છે. ૪ મેગાવોટથી વધુની જરૂર હોય તેવો પ્રોજેક્ટ ૬૬ કેવીમાં આવે છે. ૬૬ કેવીવાળો દક્ષિણ ગુજરાતનો ગ્રાહક રાજ્યમાં કોઈપણ જગ્યાએ જમીન ભાડે કે વેચાણથી રાખી શકે છે. જ્યારે ૧૧ કેવીવાળા સ્થાનિક ગ્રાહકને ફક્ત દક્ષિણ ગુજરાતમાં જમીન મળી શકે છે.
ઔદ્યોગિક એકમોમાં ગ્રાઉન્ડ માઉન્ટેન્ડ સોલાર પ્રોજેક્ટના ઉપયોગ શરૂ થતા વીજળી સસ્તી પડે છે. જેનો સૌથી મોટો ફાયદો માર્કેટની કોમ્પિટિશનમાં ટકવા માટે થઈ શકે છે. સોલાર પ્રોજેક્ટ ઔદ્યોગિક એકમો માટે આર્થિક રીતે લાભદાયક હોવા સાથે સૌથી મોટો ફાયદો પર્યાવરણને પણ થાય છે. આમ પ્રવર્તમાન સમયમાં ઓધોગિક એકમોમાં ક્લીન એનર્જી વપરાશ વધારવો જરૂરી છે.