તાજેતરમાં અંકલેશ્વર એસ્ટેટમાં એક ઘટના બની. લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે મંદિર બનાવવા માટે ભૂમિપૂજન કરવાની તૈયારીઓ કરવામાં આવી. આસપાસના વિસ્તારની મહિલાઓ એકત્ર થઈને સોમનાથદાદાના મંદિર બનાવવાની તૈયારીઓ કરી. તાત્કાલિક નોટીફાઈડ એરિયા ઑથોટીટીના માણસોએ આવીને તે જગ્યા પર વૃક્ષારોપણ કરી આ જગ્યા ગ્રીનબેલ્ટ માટેની છે તેમ જણાવી કામ અટકાવ્યું. અત્યારે એસ્ટેટમાં લોકમુખે આ વિષય ચર્ચાનો વિષય બન્યો છે.
વાસ્તવમાં છેલ્લા દશકામાં અંકલેશ્વર એસ્ટેટમાં રહેણાંક વિસ્તાર ખુબ મોટા પ્રમાણમાં વધી ગયો છે. તેમાં સિટી સેંટર, કમલંમ ગાર્ડન, ગોલ્ડન ચોકડી જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. તેથી આગળ વધીને ઈ એસ આઈ હોસ્પિટલ સુધીનો વિસ્તાર થઇ ગયો છે. લગભગ 50 થી 60 હજારની વસ્તી હોવાનો અંદાજ છે. નવા બનેલ વિસ્તારમાં એક પણ મંદિર ના હોવાથી લોકોની ભાવના આ વિસ્તારમાં એક મંદિર હોય તેવી છે.
એસ્ટેટ જયારે શરૂઆતના તબક્કામાં હતું ત્યારે સરદાર પાર્ક સુધીના વિસ્તારનો વિકાસ થયો હતો. તા વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા માનવ મંદિર અને પશુપતિનાથનું મંદિર એમ મંદિર પણ બનાવવામાં આવ્યા. તેનાથી ભાવિકોની ભાવના સંતોષાઈ. નાનામોટા ધાર્મિક પ્રસંગોએ તેઓ મંદિરમાં જઈ દર્શન કરી શકે. કોઈના પણ ઘરથી 2 કિલોમીટરથી વધારે અંતર થતું નહીં હોય.
હવે નવા વિસ્તારમાં બાંધકામ થતા રહેણાંક વિસ્તાર વધતા મંદિર જવા માટે તકલીફ ઉભી થવા માંડી. ખાસ કરીને ઉંમરલાયક લોકોને તેમજ મહિલાઓને વધારે તકલીફ પડી રહી છે. જેમને વાહન ચલાવતા નથી આવડતું તેમના માટે મંદિર જવું બીજા પર આધારિત રહેવું પડે તેવું થવા માંડ્યું. તેમની તીવ્ર ઈચ્છા છે કે નજીકમાં મંદિર હોય. તેમની આ તીવ્ર ઇચ્છાએ રસ્તો શોધી લીધો.
આ ઘટના પછી એક વાત સારી બની કે હવે મંદિર બનાવવાના ચક્રો જરૂર ગતિમાન થશે. કારણકે લોકોની લાગણીને અંકલેશ્વર હાઉસિંગ એસોસીએસન દ્વારા વાચા અપાઈ છે અને આ ચોક્કસ થઇ શકે તેવી લાગણી તીવ્ર બની છે.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સારા કામનો વિરોધ ન હોય, પરંતુ એસોસીએસન, નોટીફાઈડ અને જીઆઈડીસીના અધિકારીઓ સાથે રાખી વહીવટી રીતે આગળ વધવું જોઈએ. આ ગ્રીન બેલ્ટ જીઆઈડીસીએ 2021માં અસોસિએશનને પ્લાન્ટેશન માટે આપ્યો હતો. જેમાં નાની કંપનીઓને ગ્રીન બેલ્ટ માટે પ્લોટમાં પૂરતી જગ્યા ના રહેતા કાયદાકીય જોગવાઈ પ્રમાણે વૃક્ષારોપણ માટે આ જગ્યાનો ઉપયોગ કરી ગ્રીન બેલ્ટ તૈયાર કરે તે માટે આપયો હતો.
અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માંકડીયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મંદિર ના હોવાથી મહિલાઓ અને મોટી ઉંમરના લોકોને ખાસ તકલીફ પડે છે. નાનું મંદિર બનતા અબાલ વૃદ્ધો માટે દર્શન સાથે બેસવાની સગવડ થશે. તેઓજ ગ્રીન બેલ્ટના વૃક્ષોને પાણી પાઈને તેનું જતાં કરશે.