અંકલેશ્વર હાઉસિંગ એસોસીએશન દ્વારા અંકલેશ્વર એસ્ટેટના રહેણાંક વિસ્તારના સરાદરપાર્ક ચોકડી ખાતે રહેણાંક વિસ્તારના લોકો માટે સ્થાનિક સ્વરાજની વ્યવસ્થા ઉભી કરાય અને તેમાં તેમનું પ્રતિનિધિત્વ હોય અને તેમને તેમાં મત આપવાનો અધિકાર હોય તેવી માંગણી સાથે ફોર્મ ભરાવવાનું કાર્ય આરંભ્યું છે. જેમાં લોકો ઉત્સાહ સાથે ભાગ લઇ રહ્યા છે. વાત વાયુ વેગે એસ્ટેટમાં પ્રસરતા લોકો ફોર્મ ભરવા ઉમટી રહ્યા છે.
એસ્ટેટમાં છેલ્લા દશકામાં રહેણાંક વિસ્તાર ખુબ મોટા પ્રમાણમાં વિકસ્યો છે. એક પૂર્ણ વિકસિત શહેર જેવું બની ગયું છે. રાજ્યના કેટલાક જિલ્લાઓના મુખ્ય મથકો કરતા વધારે વસ્તી ધરાવે છે. હાલની સ્થિતિમાં 22000 જેટલા મતદાતા છે.અહીં બહારથી આવીને લોકો વસેલા છે. અહીં રહેણાંક વિસ્તાર માટે સ્થાનિક સ્વરાજની વ્યવસ્થા નહિ હોવાથી તેમાં વોટિંગનો અધિકાર નહિ હોવાથી મોટાભાગના લોકો તેમનું વોટિંગ વતનમાં જ રાખે છે.
લોકોની માંગણીને વાચા આપવા માટે જે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તેમાં જણાવેલ છે કે
એક જવાબદાર નાગરિક તરીકે હું દરેક પ્રકારના નોટીફાઇડ વેરા અને સરકારી વેરા ચુકવું છું. અમારા રહેણાંક વિસ્તારમાં જન સંખ્યા પણ સારી એવી માત્રા માં વધી ગયેલી છે. પરંતુ અહીંયા ઉલ્લેખનીય છે કે અમને કોઇ જ પ્રકારની સ્થાનિક ચૂંટણીમાં મતદાન આપવાનો અધિકાર નથી. હું ફકત વિધાનસભા અને લોકસભાની ચુંટણીમાંજ મતદાન કરી શકુ છું. આમ હું સ્થાનિક સ્વરાજની ચુંટણી માટેના મતાધિકારથી વંચિત રહુ છું. મને ગ્રામ પંચાયત / તાલુકા પંચાયત /જિલ્લા પંચાયત જેવી કોઇ પણ ચુંટણીમાં મતદાનનો અધિકાર નથી.
અહીં ઉલ્લેખનીય છે કે અમારો કોઇ સ્થાનિક જન પ્રતિનિધી નથી કે જેને અમે અમારી રજુઆત કરી શકીએ અને અમો આમ જનતાને કોઇ સ્થાનિક કામકાજ માટે કોઇ જન પ્રતિનિધિ ચુંટાવાનો અધિકાર પણ નથી. અંકલેશ્વર નોટીફાઇડ વિસ્તારમાં ફકત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએસન (AIA) ની ચુંટણી થાય છે અને તેમાં માત્ર ૧૫૦૦-૨૦૦૦ ફેકટરીઓના માલિકો જ મતદાન કરી શકે છે, તેમજ રર હજાર જેટલા મતદાર હોવા છતા પણ મતદાન આપી શકતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએસન માત્ર ફેકટરીઓના કામ કાજ માટે બનેલું છે અને ફેકટરીઓમાંથી ચુંટાઇને આવેલા સભ્યોમાંથી બે સભ્યોને નોટીફાઇડના અંતર્ગત રહેણાંક વિસ્તારના પ્રતિનિધિ બનાવી દેવામાં આવે છે. આમ ફેકટરીઓ એ ચુંટેલા વ્યકિતને રહેણાક વિસ્તારના પ્રતિનિધિ બનાવવામાં આવે છે. આમ જનતા પોતાનો જન પ્રતિનિધિ ચુંટણવાથી વંચિત રહી જાય છે. વળી નોટીફાઇડ વિસ્તારમાં બધા જ નિયમો નગરપાલિકાના લાગુ પડે છે છતાં વસુલાત વેરા વચ્ચે જમીન આસમાનનો ફર્ક છે અને પર્યાપ્ત માત્રામાં સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી આમ અમને મતદાન અધિકાર ના હોવાથી તથા અમારા મતની કોઇ જરૂરિયાત ના હોવાથી અમારી રજુઆત કે કોઇ વાત સાંભળવામાં આવતી નથી. તેવા સ્પષ્ટ અહેસાસ થઇ રહ્યો છે.
આમ લગભગ ૫૦ હજાર થી પણ વધુ વસ્તી તેમજ રર હજાર થી વધારે મતદાર ધરાવતા અંકલેશ્વર નોટીફાઇડ વિસ્તારમાં મને કોઇ પણ જાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મતાધિકાર નથી કે લોકો દ્રારા ચુંટાયેલ જન પ્રતિનિધિ નથી. વળી અંકલેશ્વર નોટીફાઇડ રહેણાંક વિસ્તારમાં અલગ અલગ ગ્રામ પંચાયતો ની જમીન આવેલી છે જેથી એક જ વિસ્તારના લોકોને જુદી જુદી ગ્રામ પંચાયતતો પણ લાગુ પડે છે. આથી અમારી વિનંતી છે કે અંકલેશ્વર નોટીફાઇડ રહેણાંક વિસ્તારમાં લાગુ પડતી જુદી જુદી ગ્રામ પંચાયતોના હિસ્સાને એકત્રિત કરીને એક અલાયદી ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે.
આમ મારી નમ્ર વિનંતી છે કે અમને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએસન માં રહેણાંકના ઉમેદવાર રાખીને મત આપવાનો અધિકાર મળે અથવા અલગ અંકલેશ્વર હાઉસિંગ એસોસીએસનને માન્યતા આપીને જુદા જુદા વિસ્તાર મુજબ ઉમેદવાર રાખીને અમારો જન પ્રતિનિધિ ચુંટાવાનો મતાધિકાર મળે. આમ અમને સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે મતઅધિકાર મળે અને અમારા સ્થાનિક સ્તરના કામ કાજ અને સમસ્યઓના ઉકેલ માટે પ્રતિનિધિ ચુંટાવાનો અધિકાર મળે તે હેતુ થી આદરણીય ચુંટણી પંચ અને સરકારશ્રી ને મારી એક જાગૃત ભારતીય નાગરિક તરીકે આ પત્ર દ્રારા નમ્ર અરજ કરું છું.
કદાચ આવડા મોટા જનસમુદાયને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી વંચિત રાખવામાં આવ્યો હોય તેવો ભારતમાં પ્રથમ રહેણાંક વિસ્તાર હશે.લોકોની નારાજગી હવે આક્રોશમાં પરિવર્તિત થઇ રહી છે. સોસાયટીઓ અને ફ્લેટના અગ્રણીઓ ફોર્મ લઇ જઈને ભરાવવાનું કાર્ય આરંભી દીધું છે. ફોર્મમાં કલેકટર, ચૂંટણી પંચ, ગુજરાત સરકાર અને હાઈકોર્ટને તેમના પ્રશ્નની રજુઆત કરનાર હોવાનું જણાવ્યું છે.
અંકલેશ્વર હાઉસિંગ અસોસિએશનના પ્રમુખ અતુલભાઈ માંકડીયા , રમેશભાઈ પટેલ, ખુશાલભાઈ તેમજ તેમની ટીમ આ કાર્યને સફળ બનાવવા માટે ભારે મહેનત આદરી છે.લોકોમાં જાગૃતિ વધતી જાય છે, જે આ કાર્યને સફળ કરવામાં ઉદીપકનું કાર્ય કરશે જે વાત નિર્વિવાદ છે.