તારીખ સપ્ટેમ્બર ના રોજ કૃષ્ણ જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ અંકલેશ્વરની નીલકંઠ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જન્માષ્ટમીની ઉજવણી ના ભાગરૂપે કર્મચારીઓને ભગવદ્ ગીતાનું વિતરણ કરાયું હતું. ઉત્થાન (શ્રીમદ્ ભગવદ્ બાઇ ગીતાનો સાર) અંતર્ગત ઇસ્કોન સંસ્થાનના આચાર્ય ચૈતન્ય મહાપ્રભુજી ગીતાનું મહત્વ સમજાવ્યું હતું.
અંકલેશ્વર સ્થિત નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન વિપુલભાઇ ગજેરાને વિચાર આવ્યો કે, આપણે કર્મચારીઓના હિત માટે અલગ અલગ કાર્ય કરીએ છીએ, પરંતુ કર્મચારી માનસિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે પણ કંઇક કરવું જોઈએ. જેથી તેમના કર્મચારીઓને ભગવદ્ગીતાનું દાન કરવાનું વિચાર્યું. આ અદભૂત વિચાર અમલમાં મૂકવા જન્માષ્ટમી પૂર્વે એક અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ઇસ્કોન સંસ્થાના આચાર્ય ચૈતન્ય મહાપ્રભુજી ને આમંત્રિત કર્યા હતા. ચૈતન્ય મહાપ્રભુજી ગીતાનું મહત્વ સમજાવતા કહ્યું હતું હતું કે, ભગવદ ગીતામાં દરેક સમસ્યાનું સમાધાન રહેલું છે. ગીતામાં જીવ, ઈશ્વર પ્રકૃતિ, કાળ અને કર્મના સિદ્ધાંત નું જ્ઞાન છે. ભગવદ્ ગીતા દિવ્ય ગ્રંથ છે, જે સૃષ્ટિને અર્જુનના માધ્યમથી અપાયું છે. માણસ મૃત્યુ પામે પછી ગીતાનું પઠન થાય છે પરંતુ માણસ જીવતા જીવ ગીતાનું વાંચન કરવું જોઈએ.
ગીતામાં કહેવાયું છે કે મારું સ્મરણ કરતાં કરતાં તું(અર્જુન) યુદ્ધ કર એ રીતે માણસ પણ પોતાના તમામ કામ કરતા કરતા નિત્યક્રમની સાથે સાથે ગીતા વાંચવાની છે. એના માટે કોઈ વ્યક્તિ પોતાના કામ ધંધો છોડવાની જરૂર નથી. આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ સુખી થવું છે અને ભગવદ્ ગીતા વાંચ્યા વગર સુખી થવાય નહીં.
આ પ્રસંગે ગ્રુપના ચેરમેન વિપુલભાઇ ગજેરા એ જણાવ્યું હતું કે, "ગીતા વાંચશો તો પહેલી વખત કંટાળો આવશે, બીજી વાર મજા આવશે અને ત્રીજી વાર વાંચશો ત્યારે તમને આપમેળે ભાવ જાગશે. કંપનીમાં તમને જે કામનું વળતર મળે છે એ જ કરો છો. જેનાથી તમારું અને પરિવારનું પોષણ થાય છે પરંતુ આત્માનું પોષણ તો માત્ર ગીતા અને આધ્યાત્મ થી જ મળે છે.ભગવદ્ ગીતા એ સંપૂર્ણ શાસ્ત્ર છે જેમાં તમામ શાસ્ત્રો સમાયેલા છે.